Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી 2 બેઠકો માટે 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાશે

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાંથી રાજ્યસભાની બે સીટો ખાલી થઈ છે. આ બંને બેઠકો પર 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાવવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે.

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી 2 બેઠકો માટે 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાશે

બ્રિજેશ દોશી, અમદાવાદ: ગુજરાતની બે બેઠકોની રાજ્યસભાની ચૂંટણીની આજે કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ લોકસભાની ચૂંટણી જીતતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. જેની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો. 18 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે નોટીફીકેશન જાહેર થશે જ્યારે ફોર્મ ભરાવની અંતિમ તારીખ 25 જૂન છે. 28 જૂન ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને 5 જુલાઇના રોજ ચૂંટણી યોજાશે.  5 જુલાઇએ જ ચૂંટણીની મતગણતરી થશે. જો કે રાજ્યસભાની આ બંને બેઠકો પર ભાજપ જ કબ્જો કરશે તેવું લાગી રહ્યું છે. આ પેટાચૂંટણીમાં ધારાસભ્યો બે વાર મત આપી શકશે. બે પૈકી એક બેઠક પર ભાજપના ઉમેદવાર નક્કી જ છે. વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતની એક બેઠક પરથી ભાજપના ઉમેદવાર હશે. 

અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક જીતીને સાંસદ બન્યા તો સ્મૃતિ ઇરાની અમેઠી બેઠક જીતીને લોકસભાના સાંસદ બન્યા છે જેના કારણે ગુજરાતની 2 રાજ્યસભા બેઠકોની પેટાચૂંટણી જાહેર થઇ છે.  ગુજરાતની વિધાનસભાની હાલની સ્થિતિને જોતા ભાજપે એક બેઠક ગુમાવવી પડે તેમ છે ત્યારે ભાજપ પ્રમુખે જીતના કરેલા દાવાના કારણે રાજકારણ ગરમાયું છે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા અલ્પેશ ઠાકોરે પણ દાવો કર્યો કે 15 થી વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડશે. જેના કારણે કોંગ્રેસ તૂટવાની અટકળો વધુ તેજ બની છે. જો કે કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે એક બેઠક કોંગ્રેસ જીતશે જ.

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી 2 સીટ માટે એક સાથે ચૂંટણી યોજવાની કોંગ્રેસની માગણી 

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં ઉપનેતા શૈલેષ પરમારે દાવો કર્યો છે કે ભાજપની તોડજોડની રાજનીતિ સફળ નહિ થાય અને બેમાંથી એક બેઠક કોંગ્રેસ મેળવશે. ભાજપને બંને બેઠકો જાળવી રાખવી હોય છે કુલ 120 મતોની જરૂર છે જ્યારે ભાજપ પાસે ફક્ત 99 ધારાસભ્યો છે તેવા સંજોગોમાં બીટીપી, એનસીપી અને એક અપક્ષ પણ ભાજપને ટેકો આપે તો પણ 13 વધુ કોંગ્રેસના ધારાસભ્યોની જરુર પડશે. આ સંજોગોમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોનો સાથ મેળવવા તડજોડ કરશે. 

જુઓ LIVE TV

જો કે આ વખતે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા નહિં પડાવે પરંતુ તેમના ક્રોસ વોટીંગ માટે વિચારણા થઇ રહી છે. ભાજપના સૂત્રોનું માનીએ તો કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટીંગ ભાજપની તરફેણમાં કરશે અને ભાજપના ઉમેદવારની જીત થશે અને જો કોંગ્રેસ આ ધારાસભ્યોને સસ્પેન્ડ કરે તો પણ તેમનું ધારાસભ્ય પદ યથાવત રહેશે. એટલા માટે ભાજપે આ વખતે રણનીતિ બદલી છે. કારણ કે જો ભાજપ હવે કોંગ્રેસના 10 વધુ ધારાસભ્યોને ભાજપમાં લાવે તો આંતરીક અસંતોષ વધે અને ફરી એકવાર પેટાચૂંટણીઓ આવે જેના કારણે રાજકીય દબાણ પણ વધે. તેવા સંજોગોમાં ભાજપની આ વખતે ક્રોસ વોટીંગની રણનીતિ વધુ સફળ સાબિત થાય તેમ લાગી રહ્યું છે. નોંધનીય છે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં અમિત શાહ ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં અને રેકોર્ડબ્રેક માર્જિનથી જીત્યા હતાં. જ્યારે સ્મૃતિ ઈરાની ઉત્તર પ્રદેશના અમેઠીથી ચૂંટાઈ આવ્યાં હતાં. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યાં હતાં. આ બંને નેતાઓ ગુજરાતથી રાજ્યસભામાં ગયા હતાં. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More